હું આજે ઉર્જા અને વાતાવરણ વિષે વાત કરવા જઈ રહ્યો છું . આ થોડું આશ્ચર્ય જન્માવે તેવું લાગે ,કેમકે સંસ્થામાં મારું મુખ્યતયા કાર્યક્ષેત્ર રસીકરણ તેમજ બિયારણને લગતું રહે છે ; એવું ક્ષેત્ર કે જેમાં આપણે સંશોધનો કરતાં રહી એ સઘળું અતિ ગરીબ એવા બસો કરોડ લોકો સુધી પહોચાડવાનું છે ,તેમના જીવનને બેહતર બનાવવા કાજે. પરંતુ ઉર્જા તેમજ વાતાવરણ, એ પણ આ લોકો માટે અતિ મહત્વના છે . ખરું પૂછો તો પૃથ્વી પર બીજા કોઈને પણ હોય તેથીય વધુ મહત્વના . વાતાવરણના બગડવાની સીધી અસર એમના ખેતીના પાક પર વર્ષો સુધી થતી રહેશે . કાં તો ખુબ વરસાદ થશે કે પછી અપૂરતો . બધુજ એ રીતે બદલાતું જશે કે નબળું પડતું વાતાવરણ ક્યાંય સહાયરૂપ નહીં બની શકે . બલકે આ તો ભૂખમરો,અનિશ્ચતતા અને તણાવ તરફ દોરી જશે. આમ વાતાવરણ માં બદલાવ તેમને માટે ભયાનક સાબિત થશે .
વળી, ઉર્જાની ચૂકવવી પડતી કિંમત તેમને માટે અગત્યની બાબત છે. હકીકતે ,ગરીબી ઓછી કરવાને થઈને જો કોઈ એક વસ્તુની કિંમત ઘટાડવાની આવે તો મોટે ભાગે તમે ઉર્જાની પસંદગી કરો. હવે, ઉર્જાની કિંમત તો સમયની સાથે ઘટી જ છે . ખરેખર, સમૃદ્ધ સંસ્કૃતિ ઉર્જા ક્ષેત્રે પ્રગતિને આધારે જ રચાઈ છે . કોલસાની ક્રાંતિએ ઔદ્યોગિક ક્રાંતિને વેગ આપ્યો. અને તેથી જ આપણે ૧૮ મી સદીમાં પણ વીજળીની કિંમત માં નોંધપાત્ર ઘટાડો જોઈ શક્યા. તેથી કરીને જ આપણને રેફ્રિજરેટર,એર કંડીશનર ઉપલબ્ધ છે. આપણે આધુનિક ઉપકરણો બનાવી શકીએ છીએ અને બીજું ઘણું કરી શકીએ છીએ. આમ ,સમૃદ્ધ વિશ્વમાં આપણે એક સુંદર પરિસ્થિતિમાં છીએ. પરંતુ ,જેમ આપણે વીજળીને સસ્તી બનાવવા પ્રયત્ન કરીએ,સમજો કે અડધી કિંમત સુધીની,- તો આપણને એક મર્યાદા નડે છે. ને આ મર્યાદા કાર્બન ડાયોક્સાઇડને સંબંધી છે.
કાર્બન ડાયોક્સાઇડ આપણી પૃથ્વીને ગરમ કરે છે. અને કાર્બન ડાયોક્સાઇડ સાથેનું સમીકરણ બહુ જ સીધું ને સરળ છે. જો તમે ઉત્સર્જીત સઘળા કાર્બન ડાયોક્સાઇડનો સરવાળો કરો , તો એ તાપમાન માં સીધો વધારો કરે છે. ને આ તાપમાનનો વધારો કેટલીક ખુબજ નકારાત્મક અસરો તરફ દોરી જાય છે. આબોહવા પરની અસરો ને તેથીયે ખરાબ બીજી આડકતરી અસરો , જેમકે આપણું પ્રાકૃતિક પર્યાવરણ આવા ત્વરિત બદલાવો સાથે તાલમેલ સાધી શકતું નથી, અને આપણે એને ખોરવાતું જોઈએ છીએ .
હવે, ચોક્કસપણે કાર્બન ડાયોક્સાઇડમાં કેટલા વધારાથી કેટલું તાપમાન વધશે ,તે માપવાનું અને એ બાબતે ઠોસ જવાબો મેળવવા , એ થોડું અનિશ્ચિત છે ખરું, પણ વધારે નહીં. વળી, ખરાબ અસરો કેટલી ખરાબ હશે તે વિશેની અનિશ્ચિતતા તો ચોક્કસપણે છે જ. તેમ છતાંય , આવી અસરો અત્યંત ખરાબ હશે એ તો નક્કી . મેં ઘણા ઉચ્ચ કોટીના વૈજ્ઞાનિકોને ઘણી વખત પૂછ્યું, શૂન્ય ઉત્સર્જન નો લક્ષ્યાંક રાખવો એ શું ખુબ અગત્યનું છે? અડધો કે એક ચતુર્થાન્શનો લક્ષ્યાંક પુરતો નથી શું? જવાબ એ છે કે જ્યાં સુધી આપણે શૂન્ય સુધી નહીં પહોંચીએ, તાપમાન માં વધારો થતો જ રહેશે. એટલે આ એક મોટો પડકાર છે. ૧૨ ફૂટ ઉંચી ટ્રકને ૧૦ ફૂટ ઉંચા પૂલ નીચેથી પસાર કરવા જેવી આ વાત નથી. કે જેમતેમ કરીને સમાવી લઈએ આ એક વસ્તુ છે ,જેને આપણે શૂન્ય સુધી લઇ જવો જ રહ્યો.
પ્રતિવર્ષ, આપણે ખુબ મોટા પ્રમાણ માં કાર્બન ડાયોક્સાઇડ બહાર ઠાલાવીયે છીએ. ૨૬ લાખ ટનથી પણ વધારે. પ્રત્યેક અમેરીકન દીઠ ,૨૦ ટન. ગરીબ દેશોમાં,આંકડો છે વ્યક્તિ દીઠ એક ટનથી ઓછો. સમગ્ર વિશ્વ માટે વ્યક્તિદીઠ સરેરાશ ૫ ટન. એટલે, આમાં આપણે ક્યાંક ફેરફાર કરવોજ રહ્યો. જે આ અંક ને બિલકુલ શૂન્ય ની નજીક લાવી દે. આજ સુધી એ સતત વધતો જ રહ્યો છે. અમુક આર્થિક બદલાવો એને સ્થગિત કરી શક્યા છે ખરા, છતાં આપણે સતત વધારાની દિશાએથી પાછાં ફરતાં ,તદ્દન નહીંવત ઉત્સર્જન સુધી જવાનું છે.
આ સમીકરણ માં ચાર પરિબળો છે . અને છે થોડોઘણો ગુણાકાર. આમ, તમારી પાસે ડાબી તરફ છે કાર્બન ડાયોક્સાઇડ જે આપણને શૂન્ય જેટલો જોઈએ છે, અને એનો આધાર છે બીજી તરફ -- વસ્તી, વ્યક્તિદીઠ સરેરાશ વપરાતા સાધનો-સેવાઓ, એ દરેક સેવા પાછળ ખર્ચાતી ઉર્જા , અને આ ઉર્જાના વપરાશ થકી ઠલવાતો કાર્બન ડાયોક્સાઇડ. તો ચાલો આપણે આ દરેકને તપાસીએ અને જોઈએ કે શૂન્ય સુધી કઈ રીતે પહોંચી શકીએ. બની શકે કે આમાંનો કોઈ એક પરિબળ લગભગ શૂન્ય થવાની શક્યતા ધરાવે છે. હવે આ તો શાળા સમયના બીજગણિત ની વાત છે, છતાં ચાલો જોઈએ.
પહેલું , આપણી પાસે છે વસ્તી. આજે, વિશ્વની કુલ વસ્તી ૬.૮ અબજ છે. જે હવે ૯ અબજ થવા જઇ રહી છે. હવે જો આપણે નવી રસીઓ ઉપર ખરેખર સારું કામ કરીએ , તે જ રીતે સ્વાસ્થ્ય અને પ્રસુતિ-સ્વાસ્થ્ય સેવાઓ માં પણ, આપણે તેમાં ૧૦ થી ૧૫ % નો ઘટાડો કરીએ તો પણ વસ્તી માં આપણે ૧.૩ નો વધારો જોઈએ છીએ.
બીજું પરિબળ છે સેવા-સાધનો જે આપણે વાપરીએ છીએ. એ બધુંજ આવરી લે છે. આપણો ખોરાક, કપડા, ટેલીવિઝન, ઠંડી/ગરમીના ઉપકરણો. આ બધું ખુબજ સારું છે , અને ગરીબી દૂર કરવી મતલબ કે આવી બધી જ સેવાઓ વિશ્વની દરેક વ્યક્તિ સુધી પહોંચાડવી. આમ, એનો અંક ઉંચે જાય તે એક સારી જ વાત છે. સમૃદ્ધ વિશ્વના કદાચ ટોચ પરના ૧૦૦ કરોડ લોકો , થોડો ઉપભોગ ઓછો કરીને કાપ મૂકી શકીએ, પરંતુ સરેરાશ તો પ્રતિવર્ષ આ વપરાશના અંકમાં વધારો થતો જ જવાનો છે. અને સરવાળે એ વ્યક્તિ દીઠ બમણો થઈને રહેશે. અહીં આપણે પાયાની સેવાઓની વાત કરીએ છીએ. શું તમારા ઘરમાં લખવા-વાંચવા માટે વીજળી ની સુવિધા છે? સાચે જ, આ બાળકો પાસે નથી, તેથી તેઓ આમ બહાર જઈને શેરી ના વીજળીના દીવા નીચે તેમનું શાળાનું કામ કરે છે.
હવે જોઈએ ઈ(E),આ સાધનો-સેવાઓ માટે વપરાતી ઉર્જા , અહીં, આખરે આપણી પાસે એક સારા સમાચાર છે એક વસ્તુ છે, જેમાં વધારો થતો નથી. નવા સંશોધનો, વીજળી ઉત્પન્ન કરવાની નવી રીતો , જુદા પ્રકારની ગાડીઓ,મકાનો બંધાવાની જુદી રીતો , એમ ઘણું છે, જેના દ્વારા આ બધા સેવા - સંસાધનો માટે વપરાતી ઉર્જાને ઓછામાં ઓછા સ્તર સુધીની રાખી શકાય છે. કેટલીક જગ્યાએ તો આ વપરાશ ૯૦% સુધી ઘટાડી શકાય છે. બીજી કેટલીક એવી સેવા-ઉદ્યોગો છે,જેમ કે ખાતર બનાવવું , કે પછી હવાઈ પરિવહન , જેમાં સુધારાની શક્યતા નહીંવત છે. આમ, સમગ્રતયા, જો આપણે આશાવાદી હોઈએ, તો ત્રીજા થી છઠ્ઠા ભાગ સુધીનો ઘટાડો કરી શકીએ ખરા. પરંતુ હમણાં તો આ પ્રથમ ત્રણ પરિબળોમાં આપણે ૨૬ અબજ થી ૧૩ અબજ સુધીનો ઘટાડો કરી શક્ય છીએ. અને એથી વધારે ફરક નથી પડ્યો.
તેથી આ ચોથું પરિબળ તપાસીએ -- એજ ચાવીરૂપ બની રહેવાનું છે-- અને એ છે વાતાવરણ માં ફેંકાતું ઉર્જાના દરેક એકમદીઠ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ. પ્રશ્ન એ છે કે શું આપણે એને પૂરેપૂરું શૂન્ય કરી શકીએ? જો તમે કોલસો બાળો, તો ના . જો તમે કુદરતી ગેસ બાળો, તો ના. આજે ઉપયોગ માં લેવાતી, વિદ્યુત ઉત્પન્ન કરવાની લગભગ બધી જ રીતો, શોધાઈ રહેલી નવીકરણ ની રીતો તેમજ અણુ આધારિત રીતોને બાદ કરતાં,કાર્બન ડાયોક્સાઇડ ઠાલવે છે. માટે જ ,વિશ્વસ્તરે આપણે એક નવી જ પધ્ધતિ વિકસાવવી પડશે. એટલે કે આપણે ઉર્જા ક્ષેત્રે 'ચમત્કાર' સર્જાવો પડશે.
'ચમત્કાર' એ શબ્દ હું અશક્ય ના સંદર્ભમાં નથી પ્રયોજતો . માઈક્રોપ્રોસેસર એક ચમત્કાર છે. કમ્પ્યુટર એક ચમત્કાર છે. ઈન્ટરનેટ અને તેની સેવાઓ ચમત્કાર છે. આમ ઘણા લોકોએ ઘણા ચમત્કારો સર્જવામાં યોગદાન આપ્યું છે. સામાન્ય રીતે આ સૌ માટે આપણને કોઈ સમય મર્યાદા નથી હોતી, જ્યાં તમારે કોઈ ચોક્કસ સમય સુધીમાં આવો કોઈ ચમત્કાર સર્જી બતાવવાનો હોય. સામાન્ય રીતે ,તમે રાહ જુઓ, કેટલુંક સફળ થાય, કૈંક ના પણ થાય. પરંતુ આ એક એવી પરિસ્થિતિ છે,જ્યાં તમારે પૂરેપૂરી ગતિ આપીને ખુબજ માર્યાદિત સમયમાં આ ચમત્કાર સર્જવાનો છે.
હવે હું વિચારતો હતો કે આને કેમ કરી દેખાડવું? છે કોઈ સાદું ઉદાહરણ, કે પછી કોઈ પ્રયોગ વડે, જે લોકોની કલ્પના માં બેસે ? મને યાદ આવ્યું, વરસેક પહેલાં, હું મચ્છરો લાવેલો . અને કોણ જાણે લોકોને મજા પડેલી. (હાસ્ય) લોકો એ વાત સાથે તદ્રૂપ થઇ શક્યા કે, ખરેખર,એવા લોકો પણ છે જે મચ્છરો સાથે રહે છે. તો એમ, ઉર્જા માટે ,હું આવું કૈંક કરી શક્યો . મેં નક્કી કર્યું કે આગીયાઓને છોડવા, તે મારા તરફથી પર્યાવરણ ને આ વર્ષનું યોગદાન રહેશે. તો, અહીં આપણી પાસે આ થોડા આગિયા છે. મને કહેવામાં આવ્યું છે કે એ કરડતા નથી, અને ખરેખર તો કદાચ બરણી ની બહાર પણ ના નીકળે . (હાસ્ય)
આમ,આવા , લોકોનું ધ્યાન ખેંચવા કરાતી યુક્તિ જેવા ઉપાયો હોઈ શકે, પરંતુ એ બધાથી કંઈ વળતું નથી. આપણને તો એવા ઉપાયો જોઈએ,એક કે તેથી વધારે, કે જેનો વ્યાપ-વિસ્તાર અમાપ હોય, અને જેની વિશ્વસનીયતા અતૂટ હોય. ઘણી દિશામાં લોકો પ્રયત્નો કરી રહ્યા છે , પરંતુ હું આમાંથી પાંચ ઉપાયોમાં મોટા પાયે કંઈ હાંસલ કરી શકવાની શક્યતા જોઉં છું. દરિયાઈ ભરતી,ભૂસ્તરીય,અણુસંયોજન તેમજ જૈવિક ઇંધણ દ્વારા મળતી ઉર્જા ને હું બાજુએ મૂકું છું. આ બધા થોડુંઘણું યોગદાન આપે ખરા, અને હું ધારું છું તે કરતાં વધારે જો આપી શકે ,તો ઘણું ઉત્તમ, પરંતુ મારો કહેવાનો મુદ્દો એ છે કે આ પાંચ માંના દરેક ઉપર આપણે કેન્દ્રિત થવું પડશે, એમાંના એકેયને આપણે વિસારે નહીં પાડી શકીએ-એમ વિચારીને કે એ બધા નિરાશાજનક લાગે છે , ને એમની સમક્ષ ઘણા પડકારો છે.
પહેલું લઈએ અશ્મિભૂત ઇંધણ, કોલસો બાળવો કે કુદરતી ગેસ નો ઉપયોગ કરવો. આમાં તમારે એ કરવું પડશે જે લાગે છે તો સહેલું ,પરંતુ હકીકતે નથી. અને તે એ કે આ પ્રમાણે બાળ્યા પછી, ઉત્પન્ન થતો બધો જ કાર્બન ડાયોક્સાઇડ એકઠો કરી, તેને દબાણ દ્વારા પ્રવાહી માં પરિવર્તિત કરી ,ક્યાંક તેનો સંગ્રહ કરવો , એ આશા સાથે કે તેમ રહેશે. પ્રાયોગિક ધોરણે આપણે આમ ૬૦ થી ૮૦% સુધી કરીએ પણ છીએ, પરંતુ ૧૦૦% સુધી કરી શકવું એ જરા કળ માગી લે તેવું કામ છે, વળી આટલો કાર્બન ડાયોક્સાઇડનો જથ્થો ક્યાં ભેગો કરવો, ક્યાં રાખવો, વગેરે માટે સહમત થવું જરા અઘરું કામ છે. અને સૌથી કપરો તો લાંબા ગાળા નો પ્રશ્ન છે. કોને ખાતરી છે? અણુકચરો કે બીજા કોઈ પણ કચરા કરતાં, લાખો ગણા વધારે પ્રમાણમાં ભેગા થતા આ કચરાની જવાબદારી કોણ લેશે? આ તો ખુબ મોટા જથ્થાની વાત છે. આમ, આ અત્યંત અઘરું છે.
બીજું, જોઈએ અણુ શક્તિ. તેમાં પણ ત્રણ મોટા પ્રશ્નો રહેલા છે. કિંમત, ખાસ કરીને નિયંત્રિત દેશો માટે આ કિંમત ઘણી વધારે છે. સુરક્ષા નો પ્રશ્ન ; ક્યાંય કશું ખોટું નહીં થાય, માનવ સંચાલિત હોવા છતાં, આ ઇંધણ નો ઉપયોગ શસ્ત્રો માટે નહીં જ થાય, તેની આશંકા છે. અને તો પછી આ કચરાનું શું કરો તમે? બહુ વધારે નહિ છતાં આ મોટો ચિંતાનો વિષય છે. લોકો આ બાબતે નિશ્ચિંત થવા જોઈએ. આમ, આ ત્રણ મોટા પ્રશ્નો જે હલ થઇ શકે , ને માટે તેમના ઉપર કેન્દ્રિત થવું રહ્યું.
પાંચમાના છેલ્લા ત્રણ ને મેં એક સાથે મૂક્યા છે. લોકો મોટેભાગે તેમને નવીકરણ ઉર્જાના સ્ત્રોતો તરીકે ઓળખે છે. અને આ સ્ત્રોતો -ખરેખર કોઈ જ ઇંધણ ના વાપરતા હોવા છતાં- તેમની કેટલીક મર્યાદાઓ છે. એક તો એ કે આ તકનીકો દ્વારા મેળવાતી ઉર્જાનું પ્રમાણ એક વીજળીમથક માંથી મળતી ઉર્જા કરતાં નાટ્યાત્મક રીતે ઓછુ છે. આ તો ઉર્જા ની ખેતી ની વાત છે ,ને આપણે ખુબ મોટા વિસ્તારની વાત કરીએ છીએ, સાધારણ ઉર્જા ના પ્લાન્ટ કરતાં હજારો ગણા મોટા વિસ્તારની . વળી આ બધા સતત ન મળનારા સ્રોત છે. સૂર્ય ચોવીસ કલાક પ્રકાશતો નથી, તેમ જ દરરોજ એનો પ્રકાશ ઉપલબ્ધ નથી હોતો, અને, તે જ રીતે પવન પણ સતત નથી વહેતો. માટે ,જો આપણે આ સ્ત્રોતો પર આધાર રાખીએ તો, તેમની ગેરહાજરીમાં ઉર્જા મેળવવાનો બીજો કોઈ વિકલ્પ હોવો જ ઘટે. આમ અહીં પાછો ઉર્જાની કિંમત સામે પ્રશ્ન છે. તેના વહન નો પ્રશ્ન છે. દાખલા તરીકે, સમજો કે આવો કોઈ ઉર્જા સ્ત્રોત તમારા દેશ ની બહાર છે, તો તમારે એ તમારે ત્યાં લાવવાની તકનીક તો જોઇશે જ, સાથે એમાં રહેલા જોખમો ઉઠાવવાની તૈયારી પણ જોઇશે.
અને અંતે મોટો પ્રશ્ન રહેશે તેના સંગ્રહનો . આ વાત ને પરિમાણીય રીતે સમજવા હું વિગતમાં ઉતર્યો, અને બધા જ પ્રકારની બેટરી જે આજે બને છે , તે તપાસી. ગાડીની,કમ્પ્યુટર ની ,ફોનની, ફ્લેશ લાઈટની- એમ બધી જ; અને વિશ્વના વિદ્યુત ઉર્જા ના વપરાશ સાથે તેની સરખામણી કરી. તો જાણ્યું કે આ બધી જ બેટરી જે આપણે બનાવીએ છે તે બધી ઉર્જાનો ૧૦ મીનીટથી પણ ઓછા સમય માટે સંગ્રહ કરી શકે . માટે ,ખરે જ ,આપણે એક બહેતર આવિષ્કારની જરૂર છે, કૈંક એવો જે ,અત્યાર સુધીના આપણા બધાજ અભિગમો કરતાં સો ગણો સારો હોય. આ અશક્ય નથી, પરંતુ સાવ સહેલું પણ નથી. એમ જણાય છે કે આ સતત નહીં મળનારા સ્રોત ઉપર , ૧૦૦% આધારિત હોઈએ અને એના ઉપયોગમાં ૨૦ થી ૩૦% નો વધારો કરવા જઈએ તો, આપણ ને એક અતુલ્ય ચમત્કારી બેટરીની જરૂર પડે.
હવે, આ બાબતે આપણે કઈ રીતે આગળ વધી શકીએ:સાચો અભિગમ શું હોઈ શકે? મેનહટન પ્રોજેક્ટ? શું એ આપણને સફળતા અપાવશે? ખરેખર,આ ક્ષેત્રે કામ કરે તેવી ઘણી કંપની ઓ ની આપણને જરૂર છે,સો ગણી. આ પાંચે ક્ષેત્રે ,દરેક પર કામ કરે તેવા સો સો લોકો આપણ ને જોઇશે. એવા ઘણા છે, જેમને તમે પાગલ જ કહેશો..ખુબ સારું છે. ને હું માનું છું કે અહીં જ, આ ટેડ ગ્રુપમાં જ ઘણા લોકો છે જે આ કામ ની પાછળ લાગેલા છે. બીલ ગ્રોસ્સ ની કેટલીક કંપની છે, જેમની એક છે ઈસોલાર (eSolar) જેમાં કેટલીક સૂર્ય ઉર્જાને લગતી સુંદર પ્રૌદ્યોગિકી છે. વિનોદ ખોસલાનું ડઝન એક એવી કંપનીમાં રોકાણ છે કે જે ખુબ સુંદર રીતે કાર્ય રત છે અને રસપ્રદ શક્યતાઓ ધરાવે છે. હું પણ તેમને સહાય કરવા પ્રયત્ન કરું છું. નાથન માહ્વોલ્ડ અને હું ખરે જ એક કંપનીને પીઠબળ આપી રહ્યા છીએ જે કદાચ આશ્ચર્ય જગાડે, પરંતુ સાચે જ અણુઉર્જા નો અભિગમ લઇ રહી છે. અણુ ઉર્જા ક્ષેત્રે કેટલાક સંશોધનો પણ છે: માપદંડનું,પ્રવાહી. છેલ્લા થોડા સમય થી આ ઉદ્યોગ ક્ષેત્રે સંશોધનો અટકી ગયા છે ખરા, પરંતુ ,આસપાસ કંઇ સારા વિચાર -શોધો ચાલી રહ્યા છે એ વિચાર કંઇ આશ્ચર્યજનક નથી જ.
ટેરાપાવર એક એવો વિચાર છે, જેમાં યુરેનીયમનો ૧%, કે જે U235 છે, તે બાળવા કરતાં બાકીના ૯૯% કે જે U238 છે,તે ઉપયોગ માં લેવાનું અમે નક્કી કર્યું. આ એક ધૂની વિચાર છે. ખરું પૂછો તો એના પર લોકોએ લાંબા સમય સુધી વિચારેલું. પરંતુ તેઓ એ વિચાર સફળ થશે કે નહિ તે સમજવા સંયોજિત માળખું કે પ્રયોગ ના કરી શક્યા. જયારે આજે આધુનિક સુપર કમ્પ્યુટર ની મદદ થી આ પ્રકારના સંયોજન રચીને જોઈ શકીએ છીએ કે હા, યોગ્ય સાધનો વગેરેની સહાય થી એમ લાગે છે કે આ સફળ થશે.
વળી, પેલા ૯૯% નો ઉપયોગ કરવાને લઈને આપણે કિંમત માં પણ નોંધપાત્ર ઘટાડો કરી શકીશું. આપણે ખરેખર કચરો જ ઉપયોગ માં લઈશું,આજના અણુમથકનો બધો જ વધેલો કચરો, અને તેનો ઇંધણ તરીકે ઉપયોગ કરીશું. માટે, તેને વિષે ચિંતા કરવાનું છોડીને ,તેને ઉપયોગમાં લેવા માંડો.બહુ સરસ વસ્તુ છે. આ જ યુરેનીયમથી એ ચાલશે.-જાણે મીણબત્તી જ જોઈ લો. તમે અહીં એક મોટો ભાગ જોઈ શકો છો,જે મોટે ભાગે ટ્રાવેલીંગ વેવ અણુમથક તરીકે ઓળખાય છે. બળતણ ના રૂપમાં એ સાચે જ પ્રશ્નનો ઉકેલ છે. મારી પાસે આ એક કેન્ટકીમાં આવેલા એક સ્થળ નું ચિત્ર છે. આ પેલું ૯૯%,વધી રહેલું યુરેનીયમ છે, જેમાંથી થોડો ભાગ તેમણે બળતણ તરીકે વાપરવા લીધો છે. આ વધી રહેલું યુરેનીયમ છે, અને એ અમેરીકાને ૧૦૦ વર્ષ સુધી ઇંધણ પૂરું પડી શકે. આમ, એક બિન ખર્ચાળ પધ્ધતિ થી દરિયાના પાણી ને શુદ્ધ કરીને, તમે આખા વિશ્વને સદીઓ સુધી ચાલે તેટલું ઇંધણ મેળવી શકો.
આની સામે ,તમે જાણો છો તેમ, પડકારો ઘણા છે. પરંતુ, આ તો આગળ લઈ જઈ શકાય તેવા ઘણા ઘણા વિચારો માં નો એક છે. ચાલો જોઈએ, આપણે આપણ ને પોતાને કઈ રીતે મૂલવી શકીએ? આપણું પ્રગતિ પત્રક કેવું દેખાવું જોઈએ? પહેલા અંતિમ પરિણામ ની સ્થિતિ જોઈએ, અને પછી વચગાળાની . ૨૦૫૦ માટે, ઘણા જણ ને ૮૦% ઘટાડાની વાત કરતા સાંભળ્યા છે. સાચે જ, ત્યાં સુધી પહોંચવું ખુબ અગત્યનું છે. અને બાકીના ૨૦% ગરીબ દેશોની કેટલીક પ્રવૃત્તિ માં ખર્ચાઈ જશે. જેમ કે હજુ ચાલતી થોડી ખેતી. આશા રાખીએ કે વન સંવર્ધન અને સિમેન્ટ બાબતે આપણે સુધારો કરી શક્યા હોઈશું. આમ, આ ૮૦% ઘટાડા સુધી પહોંચવા , સમૃદ્ધ દેશો-ચીન સહીત ના માટે એ ખુબ જરૂરી હશે કે તેઓ વિદ્યુત ઉત્પાદન ની વર્તમાન પદ્ધતિઓ બદલે. મૂલ્યાંકન ની બીજી પધ્ધતી એ છે કે શું આપણે શૂન્ય કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે તેવી તકનીક વાપરીએ છીએ? બધા સમૃદ્ધ દેશો એ એ અપનાવી છે? અન્ય બધા દેશો માં પણ પહોંચાડી રહ્યા છીએ? આ સૌથી વધુ મહત્વનું છે. આપણાં પ્રગતિ પત્રક નો ચાવીરૂપ મુદ્દો છે.
ત્યાંથી પાછું વિચારતા , ૨૦૨૦ માં આપણું પ્રગતિ પત્રક કેવું દેખાવું જોઈએ? તો ફરી થી એમાં બે મુદ્દા તો જોઇશે જ. એક,ઘટાડા તરફ દોરી જનારા સઘળા સુધારાની ક્ષમતા ધરાવતા ઉકેલોને ચકાસી લેવા જોઇશે. જેટલો ઓછો ઠાલ્વીશું તેટલું કાર્બન ડાયોક્સાઇડ નું કુલ પ્રમાણ નીચું આવશે. , તેથી કરીને તાપમાન માં પણ ઘટાડો થશે. પરંતુ આ મુદ્દા માં મળતા ગુણ , એવા પગલાઓથી મળતા ગુણ છે ,જે નોંધપાત્ર ઘટાડો નથી લાવતા, બીજા મહત્વ ના મુદ્દા થી મળતા ગુણ કરતા એ જરા ઓછા છે. તે એ કે આ બધા માં સીમા ચિન્હ રૂપ એકાદું સંશોધન.
આવા સંશોધનો ને આપણે પુરેપુરી ગતિ આપવાની છે. આપણે તેમને ઉદ્યોગોના સંદર્ભે માપી શકીએ કે પછી પ્રયોગાત્મક પ્રોજેક્ટ્સ ,કે નિયમો અને ધોરણો માં ફેરફાર ના સંદર્ભે. આ વિષય પર ઘણા મહત્વના પુસ્તકો લખાયા છે. અલ ગોરનું 'અવર ચોઈસ' (Our Choice) અને ડેવિડ મેક્કેનું 'Sustainable Energy Without the Hot Air'. આ પુસ્તકો ખરે જ સમીક્ષાત્મક રીતે એક માળખું તૈયાર કરે છે. આની બહોળી ચર્ચા થઇ શકે, કારણ કે આપણ ને આ માટે મોટા ટેકા ની જરૂર છે. ઘણું કરવાનું છે.
તો આ (મારી) એક ઈચ્છા છે. એક ઠોસ ઈચ્છા , કે આપણે આવી કોઈ પ્રૌદ્યોગિકી ખોળી શકીએ. આવતા ૫૦ વર્ષ માટેની મારી કોઈ એક ઈચ્છા પૂરી પડવાની હોય,તો હું , કોણ રાષ્ટ્ર પતિ બને,તે માગું? કે રસી ,જે મારો પ્રિય વિષય છે, તે માગું? કે પછી એવી કોઈ શોધ માગી લઉં જે અડધી કિંમતે શૂન્ય કાર્બન ડાયોક્સાઈડનો લક્ષ્યાંક પાર પડે. તો હું જરૂર એ જ ઈચ્છા માગી લઉં. આ એક જ બાબત સૌથી વધુ અસર કરનારી છે. જો આ ઈચ્છા પૂર્તિ ના થઇ, તો દૂરદર્શી લોકો અને ટૂંકી વિચાર દ્રષ્ટિ વાળા લોકો, એમ બે દુઃખ જનક ભાગ પડી જશે. અમેરીકા અને ચીન વચ્ચે, ગરીબ દેશો અને સમૃદ્ધ દેશો વચ્ચે ખાઈ સર્જાશે. અને સૌથી વધુ તો છેવાડાના ૨૦૦ કરોડ લોકો ની જિંદગી બદતર બની જશે.
તો, આપણે શું કરવાનું છે? હું આપ સૌ ને શેના માટે આગળ આવી,ગતિમાન થવા અરજ કરું છું? આપણે શોધ-સંશોધનો માટે વધુ નાણાં ફાળવવા પડશે. કોપેન્હાગેન જેવા સ્થળે જયારે દેશોના પ્રતિનિધિઓ મળે છે , ત્યારે ફક્ત કાર્બન ડાયોક્સાઈડની ચર્ચા નથી કરવાની. તેમણે આવા સંશોધનો કરવા માટેનો કાર્યસૂચિ ચર્ચાવો જોઈએ. તમને જાણી ને આશ્ચર્ય થશે કે આ સંશોધનો પાછળ કેટલો દયાજનક રીતે ન્યૂનતમ ખર્ચ કરવાનો અભિગમ હોય છે. આપણ ને બજાર પ્રોત્સાહન ,કાર્બન ડાયોક્સાઈડ કર, મૂડી અને વેપાર બધું જોઈએ જ , કે જે કિંમત વિષે સજાગતા આપે. આ સંદેશ આપણે સૌ સુધી પહોંચાડવાનો છે. આ બાબતે વધુ તર્કશીલ,સમજી શકાય તેવા સંવાદ ની આપણ ને જરૂર છે. સરકાર તરફ થી પગલા ની પણ જરૂર છે. આ એક બહુ જ મહત્વ ની ઈચ્છા છે, પરંતુ હું માનું છું કે આપણે એ પામી શકીએ.
Chris Anderson:આભાર .આભાર. (અભિવાદન) આભાર. ટેરાપાવર વિષે વધુ જાણવા માટે થઈને પૂંછું તો- સૌ પ્રથમ તો ,આપ એ બાબતે થોડો ખ્યાલ આપી શકો કે આ કેટલા મોટા પાયા પર નું રોકાણ હશે?
બીલ ગેટ્સ: સોફ્ટવેર તૈયાર કરવા માટે સુપર કમ્પ્યુટર ખરીદવા, મહાન વૈજ્ઞાનિકો ને આ કામ માટે રોકવા, જે ખરેખર અમે કરી લીધું છે, આ બધું મળીને આશરે દસેક કરોડથી વધુ , અને એક વખત ,રશીયાના અણુમથકમાં અમારા કાચા માલ ને પ્રાયોગિક ધોરણે વાપરી લઈએ, તેની યોગ્યતા ની ચકાસણી કરવા- તે પછી થી સોએક કરોડ થી વધુ થશે, કેમ કે પ્રાયોગિક નાનુ અણુમથક ઉભું કરવું એ અઘરું કામ છે. કેટલાક કરોડ નાણાં ની વ્યવસ્થા કરવી, નિયંત્રક શોધવા,યોગ્ય સ્થળ પસંદ કરવું , જ્યાં આ પ્રથમ પ્રાયોગિક અણુમથક બનાવી શકાય- અને એક વાર આ પહેલું બંધાઈ જાય અને જાહેર કાર્ય મુજબ કાર્ય કરે, પછી તો એ દીવા જેવું સ્પષ્ટ છે,-થનારા આર્થિક લાભ ,ઉર્જાનો મળનારો વિપુલ જથ્થો,- તે અણુ વિષે આજ ની આપણી સીમિત જાણકારી થી ક્યાંય વિશેષ હશે.
ચાર્લ્સ: વધુ સમજવા પૂછું તો, આ ભૂગર્ભ માં બાંધવામાં આવશે કે? એક લંબરૂપ સ્તંભ ની જેમ,જેમાં વપરાયેલ યુરેનીયમનું ઇંધણ ભરેલું હશે, ખરું? અને પછી પ્રક્રિયા તેની ટોચે થી ચાલુ થઈને નીચે તરફ થશે..?
બીલ ગેટ્સ:સાચું. આજે આપણે હંમેશા અણુમથકમાં ઇંધણ પૂરવું પડે છે, તે માટે ઘણા માણસો તેમજ યાંત્રિક નિયમનો ની જરૂર રહે ,અને એમાં ક્યારેક, ક્યાંક કશુંક ખોટું થવાની શક્યતા રહે, કેમ કે ખોલ-બંધ અને અંદર-બહાર અવર-જવર રહ્યા કરે. એ બરાબર નથી. અહીં તો તમારી પાસે એટલું સસ્તું ઇંધણ છે, જેને તમે ૬૦ વર્ષ સુધી એક લાકડા ના મોટા ટુકડા ની જેમ જમીન માં રાખી શકો , કોઈ જ જટિલ પ્રશ્નો વગર. અને એ ત્યાં પડ્યો પડ્યો ૬૦ વર્ષ સુધી બળતણ આપ્યા કરે -એટલું જ .
ચાર્લ્સ: આ એક અણુ શક્તિ પ્લાન્ટ છે જે એના પોતાના કચરા વડે જ ચાલે છે.
બીલ ગેટ્સ : સાચું.ઉત્પન્ન થતા બિનજરૂરી કચરા ને તમે ત્યાં જ રહેવા દઈ શકો -આ રીત માં ઘણો ઓછો કચરો ઉત્પન્ન થાય છે - પછી તમે તેને જ ઉપયોગ માં લઇ, બીજા અણુમથકને ઇંધણ પૂરું પડી શકો. અને શરૂઆત આપણે બિનજરૂરી,વધેલા કચરા ના ઉપયોગ થી જ કરવાની છે. જે અણુમથકના ઠંડા પૂલ્સ અને સુકા કાસ્કીંગ માં રહેલો છે. એ જ આપણું શરૂઆત નું ઇંધણ છે. આમ, અત્યાર સુધી જે અણુમથકને કારણે ઉભો થતો પ્રશ્ન હતો, તેના પર જ આપણા અણુમથક ચાલશે. અને નાટ્યાત્મક રીતે આપણે આ કચરાના જથ્થા માં મોટો ઘટાડો કરી શકીશું. જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે, તેમ આ પ્રમાણે થશે.
ચાર્લ્સ: પરંતુ વિશ્વભર માં જુદા જુદા લોકો સાથે આ વિષે ની શક્યતાઓ ની વાતચીત કરતાં , ખરેખર આગળ વધી, કામ કરવાનો રસ અને પ્રતિસાદ ક્યાં થી મળ્યો છે?
બીલ ગેટ્સ: ખરે જ, કોઈ ચોક્કસ સ્થળ અમે ચૂંટ્યું નથી, અને વળી, અણુશક્તિ ને લગતું કંઈ પણ કરવા માટે ઘણી બધી રસપ્રદ સ્પષ્ટતાઓ જરૂરી રહે છે છતાં ઘણો સારો પ્રતિસાદ છે, રશીયા,ભારત,ચીનની કંપની તરફ થી, ઉર્જા મંત્રી ને હું મળી ને આવ્યો , ઉર્જા-વિષયક કાર્યસૂચિમાં આ કઈ રીતે બંધ બેસે, તે બાબતે ચર્ચા કરવા . અને હું આશાવાદી છું.તમે જાણો છો,ફ્રેંચ તેમ જ જાપાનના લોકો એ આના ઉપર થોડું કામ કર્યું છે. અત્યાર સુધીના થયેલા કામ કરતા આ થોડું ભિન્ન પ્રકાર નું છે. એક મહત્વની પ્રગતિ છે, પરંતુ એ એક ફાસ્ટ અણુમથક છે. ઘણા બધા દેશોએ એવા બાંધ્યા પણ છે, તેથી,જેમણે આવા ફાસ્ટ અણુમથક બાંધ્યા છે, તેમાંથી કોઈ પણ આ પ્રકાર નું પહેલું બાંધવા માટે ના ઉમેદવાર થઇ શકે.
ચાર્લ્સ: તો ,આપના મતે આ પ્રકાર નું કંઈ ફળીભૂત થઇ આકાર લે તેવી શક્યતા અને તે માટે ની વિચારેલી શક્ય સમય મર્યાદા શી છે?
બીલ ગેટ્સ: આ પ્રકાર નું , અત્યંત મોટા પાયા પર નું અને ઘણી જ સસ્તી ઉર્જા ઉત્પાદન કરતું કંઈ પણ ઉભું કરવા આપણી પાસે સંશોધનો માટે ૨૦ વર્ષ અને પછી પૂર્ણ કાર્યરત થવા ૨૦ વર્ષ છે. આ એક પર્યાવરણ ના આદર્શોએ બાંધેલી સીમા રેખા છે, જે આપણે પાળવી રહી. અને તમે જાણો છો, જો બધું બરાબર પાર ઉતર્યું, તો ટેરાપાવર ઘણું કરવા ધારે છે , અને સરળતા થી કરી શકે એમ છે. અને આજે, સદભાગ્યે બીજી ડઝનેક કંપનીઓ પણ છે, આપણને સો ગણી વધુ જોઈએ છે , એવી કે જે તેમનું વૈજ્ઞાનિક કાર્ય જો સુંદર રીતે કરતી હોય, જો તેમને તેમના પ્રાયોગિક પ્લાન્ટ માટે પૂરતી સહાય મળી રહેતી હોય, તો તેઓ સ્પર્ધા માં આવી શકે છે. અને એમાંની ઘણી જો સફળ થાય તો ઉત્તમ છે. પછી તો ઘણું કામ માં લઇ શકાય. ચોક્કસપણે કોઈ એકે તો સફળ થવું જ રહ્યું.
ચાર્લ્સ : ખુબ મોટા સ્તરના પરીવાર્તાનોમાં તમારા જાણવા પ્રમાણે શું આ મોટામાં મોટું હશે?
બીલ ગેટ્સ: ઉર્જા ની બાબતે આવિષ્કાર સૌથી વધુ મહત્વ ધરાવે છે. પર્યાવરણ નું દબાણ ના હોત તો પણ એ થયું હોત. પરંતુ પર્યાવરણ ની મર્યાદા એ એની મહત્તા ઘણી વધારી દીધી. અણુશક્તિ ના ક્ષેત્રે બીજા સંશોધકો છે. તમે જાણો છો.આ કામ વિષે જેટલી જાણકારી છે, તેટલી અમને તેમના કામ વિષે નથી. પરંતુ માપદંડન -એ એક જુદો અભિગમ છે. એક પ્રવાહી પ્રકારનુ અણુમથક પણ છે, જે થોડું અઘરું જણાય છે, પરંતુ તેવું જ એમને આપણા અણુમથક વિષે લાગતું હોય. આમ, અલગ અલગ પ્રકારો છે. પરંતુ સુંદર ચીજ તો આ યુરેનીયમનો અણુ છે જેમાં કોલસા ના એક અણુ કરતાં લાખો ગણી વધુ ઉર્જા રહેલી છે , જો નકારાત્મક પરિબળો ને નાથી શકો , મુખ્યતયા વિકિરણ ની સમસ્યા , તો તેની કિંમત, ક્ષમતા તેમ જ જમીન તેમ જ બીજા પરિબળો પર થનારી અસરો અપ્રતિમ હશે.
ચાર્લ્સ: અને જો આ સફળ ના થયું તો? શું આપણે પૃથ્વી ના તાપમાન ને સ્થિર રાખવા આપાતકાલીન પગલા લેવા માંડવા પડે?
બીલ ગેટ્સ: જો એવી પરિસ્થિતિ માં આવી પડીએ, તો એ એના જેવું થશે કે અકરાંતિયા ની જેમ ખાધા કરી ને તમને હ્રદયરોગનો હુમલો થવાનો છે. પછી શું?કદાચ શસ્ત્રક્રિયા કે એવું કંઈ કરવું પડે. સંશોધન ની એક શાખા,જે ભૂસ્તરશાસ્ત્ર તરીકે ઓળખાય છે, તેમ ઘણી જુદી જુદી તકનીકો છે, જે આ તાપમાન ને વધતું થોડું દૂર ઠેલે. ને આમ આપણ ને ૨૦-૩૦ વર્ષ આપણું કાર્ય કરવા મળી રહે. પણ, આ તો એક વીમા પોલીસી જેવું થયું. આશા રાખો કે એવું કંઈ નાં કરવું પડે. કેટલાક લોકો કહે છે કે આવી વીમા પોલીસી પર કામ ના જ કરવું જોઈએ. કેમ કે એ તો પછી તમને આળસુ બનાવી દે, પાછું એના જેવું, કે ખાધે રાખો, પછી શસ્ત્રક્રિયા તો છે જ ,બચાવવા માટે. મારા મતે, પ્રશ્ન નું મોટું રૂપ અને મહત્ત્વ સમજ્યા પછી આમ કરવું એ ડહાપણ નું કામ નથી. પરંતુ ભૂસ્તરશાસ્ત્ર ની ચર્ચા એ મતે છે કે આપણે તેને એક આધાર તરીકે રાખવું જોઈએ, કદાચ છે ને તાપમાન માં વધારો ધર્યા કરતાં જલ્દી થવા લાગ્યો, કે સંશોધનો માં આપણી ગતિ ધીમી પડી ગઈ ..
ચાર્લ્સ : પર્યાવરણ ના શંકાશીલ આલોચકો: આપને એમને કશું કહેવાનું હોય, તો, તેમને કંઈ રીતે ખાતરી કરાવશો કે તેઓ ખોટા છે?
બીલ ગેટ્સ: બદનસીબે,તેમના અલગ અલગ જૂથ છે. એવા, કે જેઓ વૈજ્ઞાનિક આધાર પર દલીલો કરે છે, તેવા તો ખુબ ઓછા છે. શું તેઓ એમ કહેવા માંગે છે કે વાદળોને કારણે બદલાતી પરિસ્થિતિ ની પણ નકારાત્મક અસરો છે? ખરેખર તો એવું સાવ જ થોડું કંઈક હશે, જેના માટે તેઓ કંઈ પણ કહી શકે સમજો કે દસ લાખ માં એક જેવું. આપણા મુખ્ય પ્રશ્ન ને એઈડ્સ સાથે સરખાવી શકાય. તમે ભૂલ આજે કરો, અને ભોગવો પછી થી.
આમ જયારે આપણી પાસે બધી જ જાત ના તાકીદ ના પ્રશ્નો હોય, તો અત્યારે પીડા સહન કરી,હલ લાવી દેવા, જેથી ભવિષ્ય માં ફાયદો થાય. પરંતુ આ પીડા કૈંક અનિશ્ચિત છે . IPCC રિપોર્ટ,જરૂરી નથી કે એટલી ખરાબ પરિસ્થિતિ હોય, ને સમૃદ્ધ દેશોમાં એવા લોકો પણ છે જે આ રિપોર્ટ જોઇને એમ કહે છે કે ઠીક છે,આ કંઈ બહુ મોટી વાત નથી. ખરેખર તો આ અનિશ્ચિતતા જ આપણને આ પ્રમાણે કાર્યરત થવા પ્રેરવી જોઈએ. મારું સપનું તો એ છે કે જો આપણે આ રીતે સસ્તી, નફાકારક ઉર્જા પ્રાપ્તિ કરી શકીએ, ને કાર્બન ડાયોક્સાઇડના પ્રશ્ન ને નિવારી શકીએ, ને પછી આલોચકો એમ કહે કે આ સારું જ છે , કાર્બન ડાયોક્સાઇડ ઠલવાય છે કે નહીં ,તે મહત્ત્વનું નથી, અને કદાચ ઠલવાય તો પણ માન્ય છે, સ્વીકાર્ય છે, કેમ કે આ તો અત્યાર સુધીના બીજા બધા કરતા ઉર્જા પ્રાપ્તિ નો નફાકારક ઉકેલ છે. (અભિવાદન)
ચાર્લ્સ: તો, આ આપની જોર્ન લોમ્બર્ગ ની દલીલ સામે પ્રતિક્રિયા છે, જે કહે છે કે જો તમે તમારી સમગ્ર શક્તિ આ કાર્બન ડાયોક્સાઇડની સમસ્યા હાલ કરવા માં જ વાપરશો, તો પછી તમારા બીજા મહત્ત્વ ના ધ્યેય વિસરાઈ જશે જેવા કે વિશ્વ આખા માંથી ગરીબી દૂર કરવી, મેલેરીયાના ઉપાયો પર કામ કરવું વગેરે. અને એમના માટે આ કાર્ય પાછળ નાણાં રોકવા એ પૃથ્વી ની સંપત્તિ નો નર્યો વ્યય છે. વળી ત્યારે, કે જયારે આપણી પાસે વધુ સારા કરવા જેવા કાર્યો છે .
બીલ ગેટ્સ: જયારે સંશોધન માટે ખર્ચ ની વાત છે, - તો અમેરીકા અત્યારે જે ખર્ચ કરે છે તે કરતાં ૧૦૦ કરોડ વર્ષે વધુ ખર્ચ કરે - જે કંઈ વધુ પડતું નથી. બીજી ફાળવણી માં કાપ મુકવાની જરૂર નથી. ઘણા લોકો એ વાત સાથે અસહમત થશે કે તમે એ વસ્તુ માં નાણાં રોકો , જે નફાકારક ના હોય . મારા માટે એ ખોટો વ્યય છે. સિવાય કે તમે કોઈ ઉપલબ્ધી ની તદ્દન નજીક હો કે પ્રયોગ ની દિશા માં હો અને અંતે ઘણી ઓછી કિંમતે પડવાનું હોય. હું માનું છું કે આપણે એવી વસ્તુઓ માટે પ્રયત્નો કરવા જોઈએ, જે કિંમત માં મહત્તમ ઘટાડો લાવી શકાય તેવી ભરપૂર ક્ષમતા ધરાવતી હોય. વ્યાપાર ની બહાર ,ચાલો, આપણે એવી રીતે ઉર્જા ઉત્પન્ન કરીએ, કે જે ફક્ત સમૃદ્ધ લોકોને જ પરવડે. અહીં બેઠેલા આપણે સૌ પાંચ ગણી કિંમત ચૂકવી શકીએ તેમ છે. અને છતાં આપના જીવનધોરણ માં કોઈ ફેર નહિ પડે. સંકટ તો પેલા ૨૦૦ કરોડ લોકો ને માથે આવશે.
અને હવે તો લોમ્બર્ગના વિચાર માં પણ બદલાવ આવ્યો છે. હવે એની મજાક એ છે કે એ પૂછે છે કે સંશોધન શા માટે હવે ચર્ચામાં નથી . એના પૂર્વ વિચારોને કારણે એ હજુ પણ આલોચકો ના જૂથ સાથે સંકળાયેલ છે , પરંતુ તેમને સમજાઈ ચૂક્યું છે કે એ એક અટુલું પડી ગયેલું જૂથ છે. અને તેથી જ એઓ સંશોધન નો મુદ્દો ઉઠાવે છે. આ એક તથ્ય વળી વાત છે ,જે યોગ્ય છે. સંશોધન માટે એટલી ઓછી ફાળવણી થાય છે, જે મૂર્ખાતાભાર્યું લાગે.
ચાર્લ્સ: બીલ,આજે અહીં હાજર એવા સૌ કોઈ વતી, હું ઈચ્છું કે આપનું સપનું સાકાર થાય . ખુબ ખુબ આભાર.
You can share this video by copying this HTML to your clipboard and pasting into your blog or web page. This video will play with subtitles.
You either have JavaScript turned off or have an old version of the Adobe Flash Player. To view this rating widget you
need to get the latest Flash player.
If your browser allows only "trusted sites" to execute Javascript, you should add the "googleapis.com" domain to your whitelist to allow our Flash detection to work properly.
Got an idea, question, or debate inspired by this talk? Start a TED Conversation, or join one of these:
ટેડ ૨૦૧૦ માં બીલ ગેટ્સ વિશ્વ ઉર્જા ભવિષ્ય માટેના તેમના સ્વપ્નને રજુ કરે છે. તેઓ કહે છે પૃથ્વી પર આવનારી આપત્તિથી બચવા કોઈ ચમત્કારની જરુર છે. તેઓ સમજાવે છે કે શા માટે તેઓ એક અલગ જ પ્રકારના અણુમથક ની તરફેણ કરે છે. અનિવાર્ય લક્ષ ? શુન્ય કાર્બન સ્ત્રાવ ૨૦૫૦ સુધીમાં.
A passionate techie and a shrewd businessman, Bill Gates changed the world once, while leading Microsoft to dizzying success. Now he's set to do it again with his own style of philanthropy and passion for innovation. Full bio »
Translated into Gujarati by ami pandya
Reviewed by Uday Trivedi
Comments? Please email the translators above.
19:44 Posted: Dec 2007
Views 469,148 | Comments 142
20:16 Posted: Feb 2009
Views 1,386,642 | Comments 435
Just follow the guidelines outlined under our Creative Commons license.
This comment will be attributed to . Not ? Sign Out.